
મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી: બહેન-દિકરી સલામત નથી બેટી બચાવો બેટી પઢાવો સૂત્રના મોરબી જિલ્લામાં લીરેલીરા ગૃહમંત્રીને લૈખિત રજુઆત
મોરબી અનુસુચિત જાતિ પ્રતિનિધિ મંડળના ગૌતમભાઈ મકવાણા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને તથા મોરબી જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કચડાઈ તથા મોરબી જિલ્લામાં બહેન-દિકરીની સલામતી રહી નથી. હાલ મોરબી જિલ્લામાં છાસવારે દુષ્કર્મ જેવા બનાવો બની રહ્યા છે. સગીરવયની દિકરીઓ આવારા તત્વો દ્વારા અપહરણ તથા શોષણ થાય છે. આવા ગંભીર બનાવોની ફરિયાદ દાખલ કરવા પણ સામાજિક આગેવાનો ગયા પછી ફરિયાદ નોંધવામાં આવે છે. તથા પીડિત પરિવારો સાથે ઉઘતાનભર્યા વર્તન કરવામાં આવે છે. ગુજરાત સરકારના સુત્ર બેટી બચાવો બેટી પઠાવોની મોરબી જિલ્લામાં લીરેલીરા ઉડી રહ્યા છે.
તેમણે જવાબદાર અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ સામે આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં એક મહિનામાં અગણિત બનાવો બન્યા જેમાં જવાબદાર અધિકારી કાગળો પર કામ કરી પોતાની જવાબદારીમાંથી છટકી નકારાત્મક કાર્યવાહી કરી રહ્યા છે. જવાબદાર અધિકારી તથા ચૂંટાયેલ પ્રતિનિધ દ્વારા દુષ્કર્મ તથા સગીરવયની દિકરી ઉપર થતાં શોષણ બાબતે કોઈ ગંભીરતા દર્શાવાતી નથી. જેથી મોરબી જિલ્લામાં સગીરવયની દિકરીના અપહરણ, દુષ્કર્મ જેવી ઘટનાને રોકી ગંભીર બનાવોમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવેલ તેમજ સામાજિક આગેવાનો સાથે ઉઘતાનભર્યા વર્તન ના કરાય મોરબી જિલ્લાની બહેન-દિકરી સલામતી અનુભવે તેવી અમારી માંગણી છે. જો માંગણીને સંતોષવામાં નહિ આવે તો સામાજિક આગેવાનો પીડિત પરિવારને સાથે રાખી ગાંધી ચિધ્યામાર્ગે આંદોલન-ધરણા કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.