
આજે મચ્છુ જળ હોનારતની ૪૪ મી વરસી મચ્છુ ડેમ તૂટતા નદીમાં આવેલા પૂરના રાક્ષસી મોજાએ મોરબીને એક્ઝાટકે સ્મશાન ભૂમિમાં ફેરવી નાખ્યું, હજારો લોકો-સેંકડો પશુઓ મોતના ખપ્પરમાં હોમાયા અને ઉદ્યોગ-ધંધાને ગંજાવર નુકશાન થયું હતું
મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો દિવસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ની મચ્છુ જળપ્રલય દુર્ઘટનાએ મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ વેર્યો હતો. હજારો લોકોને મચ્છુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા અને સેંકડો પશુઓ પુરના તણાયા હતા. સેંકડો મકાનો તથા ઇમારતો ધરાશયી થઇ હતી. ચારેકોર લટકતી માનવો તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું. બિહામણી સ્મૃતિઓ છોડી જનાર જળપ્રલયની આજે ૪૪ વરસી છે ત્યારે પૂરગ્રસ્તોની આંખોમાંથી આજે પણ આંસુના પુર વહે છે.
૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના દિવસની વાત કરીએ તો એ દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-૨ ડેમ તૂટવાની સાથે મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુના પુરના રાક્ષસી કદના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એકઝાટકે તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક પણ મળી ન હતી. સેંકડો મકાનો, મોટી મોટી ઈમારતોને મચ્છુના પુરે એક ઝાટકે તહસ-નહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકો ઉંચાઈવાળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ, મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત કરાયેલા અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા.
મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂણ અને ગોઝારી કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મચ્છુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી. સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું હતું
મચ્છુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા, તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી. જોકે, જળ હોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તોમાટે અસરકારક કામગીરી કરી હતી. ત્યારબાદ ફિનીક્સ પંખીની મારફત બેઠા થઈને મોરબી શહેરે ખુમારી અને જિંદાદિલીથી આ શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે. આ જળપ્રલય દુર્ઘટનાની આજે ૪૪મી વરસી છે. ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખમાંથી ભય સાથે આંસુના પૂર આજે પણ જોવા મળે છે.અસંખ્ય લોકોનો આખે આખો પરિવાર મચ્છુ હોનારતમાં હોમાઈ ગયો
મોરબીની વિનાશકારી જળ પ્રલયની દુર્ઘટનાને યાદ કરતા પૂરગ્રસ્તોએ ઘટના નજર સામે તાદ્દશ્ય થઈ હોય તેમ ધ્રુજી ઉઠે છે કોઈનો માડીજાયો વીર કે કોઈનો આખો પરિવાર મચ્છુ જળ હોનારતમાં સદાયને માટે મોતની આગોશમાં સમાય ગયા હતા. આવી જ રીતે પૂરમાં દૂધીબેન બરાસરાના માતા-પિતા સહીતના ૧૧ લોકોના મોત થયા હતા. તેમની કમનસીબી એ હતી કે પાણીથી બચવા કારખાનાની ઓફીસમાં બારણું બંધ કરીને અંદર પુરાયા હતા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ઓફિસના દરવાજા તોડીને ઘુસી જતા ૧૧ લોકોને મોતની આગોશમાં સમાવી લીધા હતા. આજે ૪૪ વર્ષ પણ હયાત સ્વજનોએ ઘટનાને યાદ કરીને પોતાના દિવગત સ્વજનોને શ્રદ્ધાંજલિ આપીને ફરી આવી કયારેય કુદરતી આપત્તિ ન આવે ન સર્જાય તે માટે ઈશ્વર સમક્ષ રીતસર પ્રાર્થના કરે છે મોરબી રાખમાંથી બેઠું થઈને અકલ્પ્ય વિકાસ કર્યો
મચ્છુ હોનારતની વરસીએ વર્ષોની પ્રણાલિકા મુજબ મચ્છુ ડેમ તૂટ્યા સમય એટલે આજે તા ૧૧ ઓગસ્ટને બપોરે ૩:૧૫ વાગ્યે મોરબી નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરીએથી મણીમંદિરમાં આવેલા હોનારતના હુતાત્માના બનાવેલા સ્મૃતિ સ્તભ સુધી મૌન રેલી કાઢવામાં આવશે અને મૃતાત્માની શાંતિ માટે ૨૧ સાયરન વગાડવામાં આવશે.. પ્રથમ સાયરને મૌનરેલી નીકળ્યા બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કર્મચારીઓ, રાજનેતા, સામાજિક અને સંસ્થાઓ તેમજ ઉઘગકારો સહિતના અનેક લોકો રેલીમાં જોડાઈને હોનારતના હુતાત્માના બનાવેલા સ્મૃતિ સ્તંભને પુષ્પાજલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપશે